A 150-year journey of light

From a village in Kachchh to scholars across the world — the story of Sadagam Pravrutti.

કચ્છની કાશી — કોડાય

વીરતા અને શૌર્યની અનોખી ગાથા ધરાવતા કોડાયમાં જીવનના સાચા મર્મને પામવા અધ્યાત્મપંથે આગળ વધેલાં વ્યક્તિત્વો પણ થઈ ગયાં. આવા જ એક મુમુક્ષુ અને સાધક કોરશી જેતશીભાઈ સાવલાએ સંયમ પંથની દીક્ષા લીધી અને પાર્શ્વચન્દ્રગચ્છના મંડલાચાર્ય કુશલચંદ્રજી ગણિવર તરીકે આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત અન્ય ૧૭ જેટલાં સાધુ-સાધ્વીજી તથા મહારાજ સાહેબોએ કોડાયનું નામ અધ્યાત્મક્ષેત્રે દીપાવ્યું. આજથી દોઢસો વર્ષ પહેલાં ત્યાં હેમરાજભાઈએ અજ્ઞાનમાં અટવાતા મનુષ્યને આત્મદર્શન તરફ દોરી જીવનને સાર્થક કરવા સાચી દિશામાં લઈ જવા માટે સદાગમ પ્રવૃત્તિ સંસ્થાની સ્થાપના કરી. તે સમયે પ્રાકૃત અને સંસ્કૃત શીખવા દેશના વિવિધ પ્રદેશોમાંથી કાશી વિશ્વવિધાલયમાં પ્રવેશ અધિક થઈ જાય તો ત્યાંના અધિપતિ ઇચ્છુક વિદ્યાર્થીઓને કોડાય ગામમાં સંસ્કૃત અને પ્રાકૃત શીખવા જવાની ભલામણ કરતા. એને કારણે કોડાય ગામને કચ્છનાં કાશીનું બિરુદ મળેલું.

પુરુષાર્થી-ધર્મવીર હેમરાજ ભીમશી

કોડાયમાં વિ. સં. ૧૮૯૨ના ગુરુપૂર્ણિમાના દિવસે એક બાળકનો જન્મ થયો. એને નામ મળ્યું હેમરાજ. આ બાળક સામાન્ય નહોતું. પુત્રનાં લક્ષણ પારણામાંથી એમ વિશિષ્ટતાઓ પ્રગટતી દેખાઈ. મોટા થતા ગયા તેમ તેમની તીવ્ર મેધાવી અને વિચારક પ્રતિભા પ્રગટવા લાગી. યુવાનીના પ્રારંભે જ તેમણે ધર્મ વિષે ગંભીર વિચારો સેવવા માંડેલા. તટસ્થ અન્વેષણ-નિરીક્ષણથી હેમરાજભાઈએ એ તબક્કે પણ જોઈ લીધું હતું કે ધર્મક્ષેત્રે ઘણી પીછેહઠ થઈ છે. ૧૫-૧૬ વર્ષની વયના હેમરાજભાઈને ધર્મક્ષેત્રે પરિવર્તન લાવવાની પ્રબળ ઇચ્છા જાગી. ધર્મસુધારણા ફક્ત વાતોથી નહીં આચરણથી જ થશે એ તથ્ય તેઓ સમજી ચૂક્યા હતા. તેમણે સંયમમાર્ગની દીક્ષા લેવા પ્રયત્નો કર્યા, પણ કોઈનેકોઈ કારણસર સફળ ન થાય. છેવટે તક મળતાં હેમરાજભાઈ હર્ષચંદ્રસૂરિજી પાસે પહોંચ્યા. તેમની જ્ઞાનપિપાસા સમજી, મુનિશ્રીએ તેમને શાસ્ત્રોના, સંસ્કૃતના અભ્યાસ માટે બંગાળના મુર્શિદાબાદમાં મોકલી આપ્યા. ત્યાં તેઓ કેટલો સમય રહ્યા તેનો ઉલ્લેખ મળતો નથી ત્યાં શાસ્ત્રાભ્યાસ અને જૈન આગમોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીના ગ્રંથોનો એમણે ઊંડો અભ્યાસ કર્યો. પોતાના સૈદ્ધાંતિક વિચારોએ અધ્યયનથી જ સ્થિર કર્યા. પછી અમદાવાદ, વડોદરા, પાટણ વગેરે સ્થળોએ ઘૂમ્યા અને જ્યાંથી મળે ત્યાંથી પ્રાચીન હસ્તપ્રતોરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
હેમરાજભાઈએ સ્વનો જ મોક્ષ કે એ માટે સાધનાનો વિચાર ન કર્યો. તેમણે સ્વનો વિસ્તાર કરી સર્વના કલ્યાણ માટે વિચાર કર્યો. સમાજના કુરિવાજો દૂર કરવા પણ પુરુષાર્થ કર્યો. તેમનું સમગ્ર અધ્યયન ધર્મસાપેક્ષ હતું. જ્ઞાનને આચરણમાં મૂકવામાં માનતા. અજ્ઞાનતા, અંધવિશ્વાસ અને શિથિલતાના તેઓ વિરોધી હતા. લોકોને જીવન સાર્થક કરવા, પ્રેરિત કરવા તેમણે સદાગમ પ્રવૃત્તિ સંસ્થાની સ્થાપના કરી. અનેક ભાઈ-બહેનો તેમાં જોડાયાં. અનેક શ્રાવક વિદ્વાનો પણ તૈયાર થયા. સ્ત્રી સશક્તીકરણના વિચારનો હજુ પ્રારંભ થઈ રહ્યો હતો ત્યારે કચ્છ જેવા દૂરના વિસ્તારમાં તેમણે સ્ત્રીઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી, તેમને વિદૂષી બનાવી અને આત્મનિર્ભર પણ બનાવી. સમાજ પરિવર્તનની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી પગલું હતું.

પ્રતિકૃતિરૂપ રેખાચિત્ર

સદાગમ પ્રવૃત્તિ

“જૈન આગમોમાં ઉછળતા જ્ઞાનસાગર, વિવિધ શાખાઓમાં વહેતી નિર્મળ સરિતાઓ, અમોઘ આત્મપ્રકાશનાં કિરણો પ્રસરાવતી વીર વાણી, અમૃતરસથી સભર તત્ત્વજ્ઞાન આ બધુંયે ભંડારોમાં ભરી રાખવા માટે નથી, પણ જગતના જીવોએ હૃદયમાં ઉતારી, જીવનમાં વણીને સાચું આત્મદર્શન મેળવવા સર્જાયેલું છે. તેના વિના મનુષ્યજીવન સાર્થક ન જ થાય. અજ્ઞાનતાના સામ્રાજ્યમાં માનવતા પરવારી ગઈ છે.” એવું કંઈક મંથન હેમરાજભાઈનાં મનમાં ચાલી રહ્યું હતું. એના ફળસ્વરૂપ સંવત ૧૯૩૦માં આત્મજ્ઞાનના અમોઘ ઉપાયરૂપે સદાગમ પ્રવૃત્તિનો નવો વિચાર તેમને સ્ફૂર્યો. આ વિચાર તેમણે આપ્તજનસમા મિત્રો સમક્ષ મૂક્યો. બધા સ્નેહીજનો પણ આ વિચાર માટે સક્રિય સાથ આપવા આગળ આવ્યા. તેમણે કહ્યું કે, “ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે આત્મ અજ્ઞાને કરી જે ભવદુઃખ લહીએ, આતમજ્ઞાન તેટલે તેમ મન સહીએ; આત્મજ્ઞાન વિચારીએ, રોગો અનેક ઔષધ એક. તમામ દુર્દશાનો એક જ અમોઘ ઉપાય છે, “જ્ઞાનામૃત”. એનું હજારો આત્માઓને પાન કરાવવાની સર્વોચ્ચ ભાવનાથી આપણે સદાગમ પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ.” અને આમ સંવત ૧૯૩૦ના ફાગણ વદ સાતમ, મંગળવારના દિને કચ્છ કોડાયમાં સદાગમ પ્રવૃત્તિ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી.

કર્મવીર દેવજીભાઈ લખમણ

કોડાયના વતની અને વીસા ઓસવાળ જ્ઞાતિના સદાગમ પ્રવૃત્તિ સંસ્થાના આધારસ્તંભશ્રી દેવજીભાઈ લખમણ ખરેખર કર્મવીર હતા. સંસ્થાના બધા ભાઈઓનાં સુખદુ:ખમાં ભાગીદાર બનતા. કાર્ય, કાર્ય અને કાર્ય એ એમના જીવનનો મંત્ર હતો. દરેકની વ્યક્તિગત રીતે ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખી, ક્યાંય અધૂરાશ વરતાય તો તેની પૂર્તિ કરી દેતા. એ માટે ગમે તેટલાં નાનાં કામને પોતાનું બનાવી લેતા. સદાગમમાં અભ્યાસ માટે આવેલા શિવજીભાઈ મઢડાવાળા લખે છે કે, એક વખત અભ્યાસખંડમાંથી બહાર નીકળતાં જોયું કે દેવજીભાઈ મારાં પગરખાં પાસે બેસીને એને તેલ લગાવતા હતા. નવાં પગરખાં બાળકને ડંખશે તો એવા પ્રેમભર્યા વિચારથી પોતે જ તેલ ચોપડવા લાગી ગયા. મેં પૂછ્યું કે આ શું કરો છો ? તેમનો ઉત્તર અંતરને સ્પર્શી ગયો, ‘ભણનારા માટે કરીએ તેટલું ઓછું.’ તે દિવસે જોયું કે સાચા પિતા, ગુરુ, સેવક, એક સાચા કાર્યકર આવા હોય !

પ્રતિકૃતિરૂપ રેખાચિત્ર

જ્ઞાનવીર માલશીભાઈ ભોજરાજ

સદાગમ પ્રવૃત્તિના સર્જકોમાંના એક માલશીભાઈ નલિયા-કચ્છના વતની હતા. સંસ્કૃત ભણવા બનારસ ગયા હતા. આગમોનું રહસ્ય સમજવા અમદાવાદમાં પૂજ્ય મુનિરાજ શ્રી શાંતિસાગરજી મહારાજ પાસે ઘણાં વર્ષો રહ્યા હતા. તેમના કંઠમાં માધુર્ય હતું. તેમની આકર્ષક વ્યાખ્યાનશૈલીથી ભાવકો, શ્રોતાઓ મુગ્ધ થતા અને શબ્દો હૃદયને સ્પર્શી જતા. તેઓ જ્ઞાનવીર હતા. વિધાનો તેમને લેશમાત્ર ગર્વ નહોતો. તેમણે જન્મભૂમિની સેવામાં પોતાની જાતને અર્પણ કરી હતી. સદાગમ પ્રવૃત્તિ માટે હેમરાજભાઈ પાસે પોતાનો વિચાર દર્શાવ્યો તો માલશીભાઈએ આજીવન પ્રવૃત્તિ માટે સહકાર આપવા વચન આપ્યું તેથી હેમરાજભાઈના અંતરમાં આનંદ છવાઈ રહ્યો અને કાર્ય માટે ઉત્સાહ વધ્યો. સેવાનો દીપ પ્રગટાવ્યો ધર્મવીર હેમરાજભાઈએ, દેવજીભાઈએ તે દીપમાં દીવેટ મૂકી પ્રકાશ પાથર્યો અને માલશીભાઈએ તેને પ્રજ્વલિત રાખવા પોતાની સઘળી શક્તિ અર્પિત કરી.

અવઠંભશાળા (જ્ઞાનશાળા)

“સંવત ૧૯૨૮ ના વર્ષે મિતિ ભાદરવા વદી ૪ ના દિને વિચાર કરીને એક મહાન અવદંભ કર્યું છે જે હરકોઈ આત્માર્થી પુરુષ નિર્પક્ષી યોગ્ય જીવન હોય તે અત્રે આવીને શાળામાં બેસીને એકાંત આત્મસાધના કરે.’ અવઠંભ નામ આજે તો આપણને નવું લાગે છે, પણ શ્રી હેમરાજભાઈ જેવા આત્મજ્ઞાનીના મનમાં તે વિષે ખૂબ ઝંખના હતી. જે કોઈ આત્માર્થી પુરુષ એકાંત આત્મસાધન કરવાની ભાવનાવાળા હોય, જ્ઞાન શીખવાની ઉત્કંઠા હોય તેવા પુરુષો નિશ્ચિંતતાથી જીવનભર અવઠંભશાળામાં રહીને આત્મસાધના કરી શકે. ઉદરનિર્વાહ કે વ્યવહારની ચિંતા ન રહે. તેમ જ શાંતિપૂર્વક જ્ઞાન-ધ્યાન-તપ-જપ કરી જીવનનું સાચું દર્શન મેળવી શકે. મૂળ સંસ્કૃત શબ્દ અવસ્થંભજેનો અર્થ થાય છે આધાર, આશ્રય. તેનું પ્રાકૃત રૂપ અવઠંભ થયું. આમ આત્માના કલ્યાણ માટે અભ્યાસ, ધ્યાન ચિંતન, સાધના વગેરે નિશ્ચિંતપણે થઈ શકે એ માટે ભોજન, નિવાસ અને અન્ય વ્યવસ્થાઓ હોય એવું આધારસ્થાન એટલે અવઠંભશાળા.

મનોહર જિનમંદિર અને મનોહર પ્રતિમા

ભગવાન મહાવીરસ્વામી પરમ તીર્થંકર છે. આસન્ન ઉપકારી છે. તીર્થંકર હોવા છતાં ભગવાન મહાવીર સ્વામીનું તપોમય જીવન, ઉપસર્ગો, દેશના, વિચારો તથા પોતાના ગણધરોને સમજાવેલ આત્મદર્શન માટે આપેલ ઉપદેશ, વગેરે શ્રી હેમરાજભાઈની આંખો સમક્ષ જાણે કે જીવંત થઈ ઊઠયું અને તેમણે ભગવાન મહાવીર સ્વામીનાં મનોહર જિનાલયનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો.
આવાં ભવ્ય અને દિવ્ય મંદિરની કલ્પના કરી તો શ્રી મહાવીરસ્વામીની કાયા પ્રમાણે મૂર્તિ પણ એવી જ મનોહર અને દિવ્યતા પ્રસરાવનારી જોઈએ. તે માટે શોધ ચાલી. છેવટે કોડાયથી ૪૦ ગાઉ દૂરના ખાવડા પાસે આવેલા કાળા ડુંગરમાંથી એક વિશાળ પથ્થર શોધીને કોડાય લાવવામાં આવ્યો. પથ્થર એટલો સુંદર નીકળ્યો કે તેમાંથી સિંહપુરુષ સમાન કંચનવર્ણી કાયા ધરાવતી ૩૫ હાથની કલાત્મક મૂર્તિ તૈયાર થઈ. આ અદ્ભુત, અલૌકિક, અને પરમ પાવનકારી મૂર્તિમાં સાક્ષાત ભગવાનનું રૂપ દીપી ઊઠે છે જે જીવાત્માઓને ચિંતન, મૌન અને નિદિધ્યાસનની ચારિત્ર્યની ત્રિવેણીમાં સ્નાન કરાવી આત્મચેતનાના પંથે અગ્રેસર કરે છે.

જ્ઞાનભંડાર - હસ્તપ્રતો (સં. ૧૯૩૨)

कालानुभावान्मतिमान्द्यतश्च तच्चाधुना पुस्तकमन्तरेण ।
न स्यादतः पुस्तकलेखनं हि श्राद्धस्य युक्तं नितरां विधातुम् ।।

શ્રી હેમરાજભાઈ જેવા કર્મવીર હતા તેવા ધર્મવીર હતા. જ્ઞાનના તો ભંડાર હતા. અવદંભ આશ્રમ, જિનાલય અને સદાગમ પ્રવૃત્તિ પછી જ્ઞાનના સાગર એ વીનરને જ્ઞાનભંડાર તૈયાર કરવાની ભાવના થઈ. અહીં આવનારા સાધકો જ્ઞાનપિપાસુ હશે જ. તેમની જ્ઞાનની તૃષા છીપાવવા જ્ઞાનગંગા ન હોય તો કેમ ચાલે ? એથી જ સંવત ૧૯૩૨માં જ્ઞાનભંડાર માટે નિર્ણય થયો.
“શ્રી કચ્છદેશે શ્રી કોડાય ગામે નિર્મમત્વપણે શ્રી જ્ઞાનભંડાર કરાવ્યું છે તે શ્રી જ્ઞાનભંડારજી વિશે શ્રી દ્વાદશાંગીજી શ્રી સિદ્ધાંતોની તથા તેઓના ઉપયોગી શાસ્ત્રો તથા સ્વમત પરમતનું સ્વરૂપ જાણવાને અર્થે બીજાં પણ કેટલાંક શાસ્ત્રો તે સર્વેનો સંગ્રહ કરી વા ભણી નિર્મમત્વપણે આ ખરડો કીધો છે. બીજું શ્રી દ્વાદશાંગીજી શ્રી સિદ્ધાંતોજી કહેવા છે. શ્રી જ્ઞાનભંડારજીનો પુસ્તક યોગ્ય રીતે વાંચવા, ભણવા, ગણવા, ઉતારવા વાસ્તે જ છે. બીજું આત્માર્થી પુરુષોએ આ શ્રી જ્ઞાનભંડારજી વિષે જે જે પુસ્તકો જીર્ણ થઈ જાય તેનો પાછો ઉદ્ધાર કરવો. એટલે તે ઉપરથી બીજું લખાવીને શ્રી જ્ઞાનભંડારજી વિશે પધરાવવું. બીજું ઉપર લખ્યા શ્રી જ્ઞાનભંડારજી વિશે જે પુસ્તકો છે તે માસ ચાર ચારને અંતરે સર્વે પોથીઓ છોડી પ્રમાર્જના કરવી કારણકે એમ કરવાથી પુસ્તકો ચિરંકાલ નિર્વિઘ્નપણે રહે.”

Scroll to Top